Year Ender 2019: દેશના રાજકારણમાં આ દિવસે નવો ઈતિહાસ રચાયો, જાણો વર્ષની મહત્વની ઘટનાઓ
ભારતના રાજકારણમાં વર્ષ 2019 (Year 2019) એક યાદગાર વર્ષ તરીકે જોવામાં આવશે. આ વર્ષમાં રાજકીય રીતે અનેક એવા નિર્ણયો લેવાયા જે વર્ષોથી પેન્ડિંગ મુદ્દા હતાં. જેમ કે કલમ 370 (Article 370) અને કલમ 35એ નાબુદી, ત્રિપલ તલાક કાયદો, વગેરે, આ ઉપરાંત એવી પણ કેટલીક ઘટનાઓ ઘટી જેણે દેશના રાજકારણ (Politics) ની ધૂરા ઘૂમાવી દીધી. અનેક ઉલટફેરવાળું આ વર્ષ હાલની સત્તાને મજબુતાઈ તો આપે છે પરંતુ સાથે સાથે કેટલીક જગ્યાએ સવાલોથી ઘેરવાની કોશિશ પણ કરે છે....આવો તારીખવાર જોઈએ ક્રમબદ્ધ ઘટનાઓ....
Trending Photos
નવી દિલ્હી: ભારતના રાજકારણમાં વર્ષ 2019 (Year 2019) એક યાદગાર વર્ષ તરીકે જોવામાં આવશે. આ વર્ષમાં રાજકીય રીતે અનેક એવા નિર્ણયો લેવાયા જે વર્ષોથી પેન્ડિંગ મુદ્દા હતાં. જેમ કે કલમ 370 (Article 370) અને કલમ 35એ નાબુદી, ત્રિપલ તલાક કાયદો, વગેરે, આ ઉપરાંત એવી પણ કેટલીક ઘટનાઓ ઘટી જેણે દેશના રાજકારણ (Politics) ની ધૂરા ઘૂમાવી દીધી. અનેક ઉલટફેરવાળું આ વર્ષ હાલની સત્તાને મજબુતાઈ તો આપે છે પરંતુ સાથે સાથે કેટલીક જગ્યાએ સવાલોથી ઘેરવાની કોશિશ પણ કરે છે....આવો તારીખવાર જોઈએ ક્રમબદ્ધ ઘટનાઓ....
14 ફેબ્રુઆરી 2019 (પુલવામા હુમલો)
દેશના યુવાઓ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવામાં મશગુલ હતાં ત્યારે એવા સમાચાર આવ્યાં કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયાં. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતે પણ મોટી જવાબી કાર્યવાહી કરી હતી.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણાને તબાહ કરી દીધુ હતું. 26 ફેબ્રુઆરી 2019ની સવારે વાયુસેનાના ઠેકાણાને તબાહ કરી દીધુ હ તું. 26 ફેબ્રુઆરી 2019ની વહેલી સવારે વાયુસેનાએ બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઈક કરી અને ધૂંધવાયેલા પાકિસ્તાને તેના બીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ ઘૂસણખોરીની કોશિશ કરી. ત્યારબાદ ભારતીય વિંગ કમાન્ડર પાકિસ્તાન પહોંય્યા અને પછી 1 માર્ચે પાકિસ્તાને તેમને ભારતને પરત કરવાની ફરજ પડી આ આખી ઘટના યાદગાર બની ગઈ.
27 માર્ચ 2019 (એન્ટી સેટેલાઈટ મિસાઈલ ધરાવતો ભારત ચોથો દેશ બન્યો)
ભારતે 27 માર્ચના રોજ મિશન શક્તિનુ પરિક્ષણ કર્યું. આ એન્ટી સેટેલાઈટ મિસાઈલ પરિક્ષણ હતું. આ પરિક્ષણ બાદ ભારત દુનિયાના એ ગણતરીના દેશોમાં સામેલ થઈ ગયો જે અંતરિક્ષમાં સેટેલાઈટને તોડી પાડવામાં મહારથ ધરાવે છે.
ભારત ઉપરાંત આ ટેક્નોલોજી અમેરિકા, રશિયા અને ચીન પાસે છે. તેનાથી ભારત પોતાના અંતરિક્ષ કાર્યક્રમોને સુરક્ષિત રાખી શકશે. ઈસરો અને ડીઆરડીઓના જોઈન્ટ વેન્ચરથી આ વિક્સિત કરાયું. જો કે આ ઘટના વૈજ્ઞાનિક પ્રયત્નોની છે પરંતુ વૈશ્વિક સ્તરે આ ઘટના ભારતની રાજકીય ઘટના પણ છે.
23 મે 2019 (મોદી સરકારની શાનદાર રીતે સત્તામાં વાપસી)
23 મે 2019ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાં. મોદી સરકારે ઐતિહાસિક જીત મેળવી અને સત્તામાં વાપસી કરી. આલોચકોનું માનવું હતું કે ભાજપને 2014ની સરખામણીમાં ઓછી બેઠકો મળશે. પરંતુ મોદી મેજિક એવું તે ચાલ્યું કે ગત વખત કરતા વધુ સીટો મેળવીને ભાજપે ફરીથી એકવાર સત્તામાં વાપસી કરી. ભાજપને આ વખતે ચૂંટણીમાં 303 બેઠકો મળી. પીએમ મોદીએ પણ ઈતિહાસ રચ્યો.
પીએમ મોદી જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી બાદ ત્રીજા એવા બિન કોંગ્રેસી પીએમ બન્યાં જેમણે સત્તામાં રહેતા પૂર્ણ બહુમતથી બીજીવાર સરકાર બનાવી. એક અન્ય રાજકીય ફેરફાર એ પણ જોવા મળ્યો કે મોદી કેબિનેટમાં નિર્મલા સીતારમણ નાણા મંત્રી બન્યાં. દેશને પહેલા પૂર્ણ કાર્યકાળવાળા મહિલા નાણામંત્રી મળ્યાં.
23 જુલાઈ 2019 (ચંદ્રયાન લોન્ચ)
ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે આ વર્ષની સૌથી મોટી સફળતા ચંદ્રયાન 2 રહ્યું. ચંદ્રયાન 2એ ચંદ્રમાના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. ઈસરોએ શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 23 જુલાઈના રોજ ચંદ્રયાન 2ને લોન્ચ કર્યું હતું.
6 સપ્ટેમ્બર 2019ના રોજ વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ તો ન કરી શક્યું અને હાર્ડ લેન્ડિંગ થયું. જો કે આમ છતાં આ મિશનની સફળતા 95 ટકા ગણવામાં આવી. સમગ્ર વિશ્વએ ભારત અને ઈસરોના દમને જોયો.
30 જુલાઈ 2019 (ત્રિપલ તલાક પર પ્રતિબંધ)
30 જુલાઈ 2019ના રોજ ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ થતા જ ત્રિપલ તલાક પર પ્રતિબંધ લાગી ગયો. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 2017માં ત્રિપલ તલાકને નાબુદ કરવાનો ચુકાદો આપ્યો હતો. દેશ માટે લેવાયેલા શક્તિશાળી નિર્ણયોમાંથી એક આ નિર્ણય ગણાયો અને સાથે સાથે તેને કોંગ્રેસ માટે એક સીધો પડકાર પણ ગણવામાં આવ્યો.
હકીકતમાં ત્રિપલ તલાકનો મામલો રાજીવ ગાંધી સરકાર સાથે જોડાયેલો ગણાય છે. તેને લઈને તેમના પર સતત તૃષ્ટિકરણનો આરોપ લાગતો હતો. શાહબાનો કેસ ત્રિપલ તલાકની સીડીનું પહેલું પગથિયું હતું. દેશભરની મુસ્લિમ મહિલાઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
5 ઓગસ્ટ 2019 (જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવાઈ)
આ દિવસ વર્ષ 2019નો સૌથી મોટો રાજકીય રીતે ઐતિહાસિક દિવસ બની ગયો. આઝાદી બાદથી જ કાશ્મીર મુદ્દો ભારતીય રાજકારણ માટે પડકાર અને અસ્પષ્ટતાનો મુદ્દો બની રહ્યો. ચર્ચા તો થઈ પરંતુ ક્યારેય કોઈ યોગ્ય નિષ્કર્ષ નીકળ્યો નહીં. પરંતુ ઓગ્સટ મહિનાની પાંચમી તારીખે કોઈએ વિચાર્યું પણ નહીં હોય તેવું બન્યું. જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજજ્જો આપતી કલમ 370 અને કલમ 35 એને હટાવવાનો નિર્ણય મોદી સરકારે લીધો.
સરકારે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ એમ બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યને વહેંચી દીધુ અને આમ બે નવા કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યાં.
આ VIDEO પણ ખાસ જુઓ...
24 ઓક્ટોબર તથા 23 નવેમ્બર 2019 (હરિયાણા-મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો)
24 ઓક્ટોબરના રોજ હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાં. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને બહુમત મળ્યું. આથી એવું લાગતુ હતું કે સ્થિતિ સ્પષ્ટ છે. આ બાજુ હરિયાણામાં ભાજપને જીત તો મળી પરંતુ બહુમતના આંકડાથી દૂર રહ્યો. હરિયાણામાં દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી સાથે મળીને સરકાર બનાવી. મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી અને દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી સીએમ બન્યાં. પરંતુ મહારાષ્ટ્રમાં કોકડું ગૂંચવાઈ ગયું.
ભાજપ-શિવસેનામાં મુખ્યમંત્રી પદને લઈને પેચ ફસાયો અને બંને વચ્ચેનો સંબંધ તૂટ્યો. શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને જ્યાં રાજ્યમાં સરકાર બનાવવાની વેતમાં હતી ત્યાં જ અચાનક 23 નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે સીએમ અને ડેપ્યુટી સીએમના શપથ લઈને બધાને ચોંકાવી દીધા. રાતોરાત થયેલા આ ઘટનાક્રમ સામે શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં. જેના પર કોર્ટે હસ્તક્ષેપ કરીને ભાજપનું પાસુ પલટી નાખ્યું. આમ મહીના રાજ્યમાં સરકાર બની શકી.
9 નવેમ્બર 2019 (અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો)
ભારતની વાત થાય અને ધર્મની વાત ન હોય તેવું બને જ નહીં. સદીઓથી આ દેશના રાજનીતિના સફરમાં ધાર્મિક મામલાઓએ માઈલસ્ટોન જેવું કામ કર્યું છે. લગભગ 500 વર્ષ જૂના અને 27 વર્ષથી કોર્ટના ચક્કરમાં ફસાયેલા રામ મંદિરના મુદ્દા પર આખરે પૂર્ણ વિરામ મૂકાયું. આ સૌભાગ્ય 9 નવેમ્બર 2019ના રોજ જોવા મળ્યું.
તત્કાલિન મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે વિવાદિત જમીનને મંદિરના નિર્માણ માટે આપી દેવાનો આદેશ કર્યો. કોર્ટે આ સાથે જ મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ બીજી જગ્યાએ મસ્જિદ માટે 5 એકર જમીન આપવાનું કહ્યું.
11 ડિસેમ્બર 2019 (નાગરિકતા સંશોધન કાયદા પર મહોર)
નાગરિકતા સંશોધન બિલ 2019 11 ડિસેમ્બર 2019ના રોજ રાજ્યસભામાં પસાર થયું. 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેના પર મહોર લગાવી અને ત્યારબાદ આ બિલ કાયદો બન્યું. આ બિલ પાસ થતા જ દેશભરમાં તેણે વિરોધનો સામનો કરવો પડ્યો. અફવાઓના બજાર ગરમ થતા નાગરિકતા કાયદો તો બની ગયો પરંતુ દેશમાં સ્થિતિ અરાજક થઈ.
આસામ-ત્રિપુરા અને મેઘાલયમાં સાખ-સંસ્કૃતિ બચાવવા માટે થઈ રહેલા પ્રદર્શનો દેશવ્યાપી થયા અને આ બહાને વિપક્ષી દળોએ પણ આ રાજકારણમાં ઝેર ઘોળવાનું કામ કર્યું. બંગાળમાં જ્યાં તેને અસ્મિતાનો મુદ્દો બનાવવામાં આવ્યો ત્યાં દિલ્હી-યુપીમાં છબી ખરાબ કરવાની કોશિશ થઈ. આ બધા વચ્ચે આ તારીખ પણ ઈતિહાસમાં નોંધાઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે